જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો
જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો,
જૂનો ધરમ લ્યો જાણી રે હે જી...ટેક
નદી કિનારે કોઇ નર ઊભો, તૃષા નહિ છીપાણી રે હે જી;
કાં તો એનુ અંગ આળસુ, કા સરિતા સુકાણી...મારાં
કલ્પતરૂ તળે કોઇ જન બેઠો, ક્ષુધા ખૂબ પીડાણી રે હે જી;
નહિ કલ્પતરૂ નક્કી બાવળિયો, કાં ભાગ્ય રેખા ભેળાણી...મારાં
સદગુરૂ સેવ્યે શિષ્ય ન સુધર્યો, વિમળ થઇ નહિ વાણી હે જી;
કાં તો ગુરૂ જ્ઞાન વિનાના, કાં તો એ પાપી પ્રાણી...મારાં
ભક્તિ કરતાં ભય દુ:ખ આવે, ધીરજ નહિ ધરાણી રે હે જી;
કાં સમજણ તો રહી ગઈ છેટે, કા નહિ નામ નિર્વાણી...મારાં
ચિંતામણિ ચેત્યો નહી, મળી ચિંતા નવ ઓલાણી રે હે જી;
નહિ ચિંતામણિ નક્કી એ પથરાં, વસ્તુ ન ઓળખાણી...મારા
મળ્યું, ધન તોયે મોજ ન માણી, કહું કરમની કહાણી રે હે જી;
કાં તો ભાગ્ય બીજાનું ભળિયુ, કાંતો ખોટી કમાણી...મારાં
અમૃત મળ્યું પણ અમર થયો નહિ, પીવાની જુગ્તિ ન જાણી;
કાં તો ઘટમાં ગયું નહિ ને, કાં પીવામાં આવ્યું પાણી...મારાં
ધર્મ કર્મને ભક્તિ જાણે, ભેદ વિના ધુળ ધાણી રે હે જી;
કહે ગણપત સમજી લ્યો સંતો, પૂરી પ્રીત સમાણી...મારાં
0 Comments